ઇડર તાલુકાના ભજપુરા ગામે આયોજિત વાયુનેત્ર યુથ એન્ડ ફ્યુચર ફાઉન્ડેશનની વાઇબ્રન્ટ યુથ ક્રિકેટ ટુર્નામેન્ટ – જિલ્લા ગ્રામીણ ક્રિકેટ ચેમ્પિયનશિપ 2026નો ભવ્ય સમાપન સમારોહ યોજાયો હતો. ગ્રામ્ય વિસ્તારમાં યોજાયેલી આ વિશાળ ક્રિકેટ સ્પર્ધાએ રમતગમતના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ સર્જ્યો છે.
10 મે થી શરૂ થયેલી અને સતત 28 દિવસ સુધી ચાલેલી આ ટુર્નામેન્ટમાં સાબરકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાઓમાંથી કુલ 95 ટીમો અને અંદાજે 1500થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન હજારો ક્રિકેટપ્રેમીઓ ઉમટી પડ્યા હતા, જ્યારે ફાઇનલ મેચ દરમિયાન 10,000થી વધુ દર્શકોની ઉપસ્થિતિએ સમગ્ર ભજપુરાને ક્રિકેટમય બનાવી દીધું હતું.
ફાઇનલ મુકાબલો ચોટાસણ ઇલેવન અને મેત્રાલ ઇલેવન વચ્ચે રમાયો હતો. છેલ્લી ઓવર સુધી રોમાંચ જાળવી રાખનાર આ કટોકટીભર્યા મુકાબલામાં ચોટાસણ ઇલેવને શાનદાર જીત મેળવી જિલ્લા ગ્રામીણ ક્રિકેટ ચેમ્પિયન – 2026નો ખિતાબ પોતાના નામે કર્યો હતો.
સમાપન સમારોહમાં પૂજ્ય સંત શ્રી સોહમપુરી મહારાજના આશીર્વચન સાથે અનેક મહાનુભાવોની ગૌરવમય ઉપસ્થિતિ રહી હતી. મહાનુભાવોએ યુવાનોને રમતગમત સાથે જોડાવા અને સ્વસ્થ સમાજના નિર્માણમાં ભાગીદાર બનવા પ્રેરણા આપી હતી.
આ પ્રસંગે ઇડર-વડાલી ધારાસભ્ય રમણલાલ વોરાએ ભજપુરા ગામના વિકાસ માટે રૂ. 13.50 લાખની ગ્રાન્ટ જાહેર કરતાં ગ્રામજનોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું હતું.
વક્તાઓએ જણાવ્યું હતું કે આજના ડિજિટલ યુગમાં રમતગમત યુવાનોને મોબાઇલ અને વિવિધ વ્યસનોથી દૂર રાખવાનું અસરકારક માધ્યમ છે. રમતગમત દ્વારા શિસ્ત, ટીમવર્ક, નેતૃત્વ અને આત્મવિશ્વાસ જેવા ગુણોનો વિકાસ થાય છે, જે સમાજ અને રાષ્ટ્ર નિર્માણ માટે અત્યંત જરૂરી છે.
વાયુનેત્ર યુથ એન્ડ ફ્યુચર ફાઉન્ડેશન છેલ્લા ચાર વર્ષથી વડીલો, બાળકો અને યુવાનો માટે વિવિધ સામાજિક તથા શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવી રહી છે. સંસ્થાએ વડાલી તાલુકામાં ક્રિકેટના ત્રણ મેદાનોના નિર્માણમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. આજે સંસ્થા હજારો યુવાનોને રમતગમત અને સામાજિક પ્રવૃત્તિઓ સાથે જોડતી એક સશક્ત યુવા ચળવળ તરીકે ઉભરી આવી છે.
જિલ્લાભરના ક્રિકેટપ્રેમીઓ માટે આ ટુર્નામેન્ટ માત્ર એક સ્પર્ધા નહીં પરંતુ ગ્રામ્ય પ્રતિભાને મંચ આપતો અને યુવાનોમાં નવી ઉર્જા જગાવતો એક ઐતિહાસિક ઉત્સવ સાબિત થયો છે. ભજપુરામાં સર્જાયેલો આ ક્રિકેટનો મહાકુંભ આવનારા વર્ષોમાં પણ રમતગમતના નવા કીર્તિમાનો સ્થાપિત કરશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.
– હલચલ ભારત ન્યૂઝ
ડિજિટલ | જૂન 2026
મેહુલપટેલ








