⊕નેતાઓના સ્વચ્છતાના વાયદા કાગળ પર જ! એક કલાકની સફાઈ ખરેખર કરી હોત તો ઇડરની સૂરત કંઈક અલગ હોત

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિ એટલે સ્વચ્છતા, સેવા અને શ્રમદાનના સંકલ્પને સાકાર કરવાનો દિવસ. પરંતુ ઇડર શહેરની સ્થિતિ જોતા સવાલ થાય છે કે, શું ગાંધીજીના સ્વચ્છ ભારતના સપનાને સાકાર કરવાની જવાબદારી માત્ર ભાષણો અને ફોટોશૂટ પૂરતી જ સીમિત રહી ગઈ છે?
ગાંધી જયંતિ આવશે અને જશે, સ્વચ્છતાના સંકલ્પો લેવાશે, નેતાઓ હાથમાં ઝાડુ પકડીને ફોટા પડાવશે, સોશિયલ મીડિયામાં સ્વચ્છતાના સંદેશાઓનો મારો ચાલશે, પરંતુ ઇડરની ગંદકીનો કાયમી ઉકેલ ક્યારે આવશે? આ સવાલ આજે ઇડરના નાગરિકો માટે મહત્ત્વનો બન્યો છે.

લાખોનો ખર્ચ, છતાં સ્વચ્છતાના નામે પરિણામ શૂન્ય?
સ્વચ્છતાના નામે લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવાની ચર્ચાઓ વચ્ચે શહેરમાં ગંદકીની સમસ્યા યથાવત રહેતી હોય તો નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઊભા થવા સ્વાભાવિક છે. જાહેર રસ્તાઓ, કચરાના ઢગલા અને ગંદકીથી ખદબદતી જગ્યાઓ શું નગરપાલિકાની સ્વચ્છતા વ્યવસ્થાની વાસ્તવિક તસવીર રજૂ નથી કરતી?
જો સ્વચ્છતા પાછળ ખરેખર ખર્ચ કરવામાં આવે છે, તો પછી તેના નક્કર પરિણામો શહેરમાં કેમ દેખાતા નથી? ખર્ચની વિગતો, સફાઈની કામગીરી અને તેની ગુણવત્તાની તપાસ થવી જોઈએ કે નહીં?

ગાંધીજીના નામે સ્વચ્છતાના સંકલ્પ, પણ અમલમાં ક્યાં છે ગંભીરતા?
ગાંધી જયંતિના દિવસે નેતાઓ અને નગરપાલિકાના કર્મચારીઓએ સ્વચ્છતા માટે એક કલાક શ્રમદાન કરવાનો સંકલ્પ લીધો હોય, તો એ એક કલાક ખરેખર ઇડરની ગંદકીથી પીડાતી જગ્યાઓ પર ફાળવ્યો હોત તો કદાચ શહેરની સૂરત બદલવાની દિશામાં નક્કર શરૂઆત થઈ શકી હોત.
પરંતુ સવાલ એ છે કે સ્વચ્છતા ખરેખર પ્રાથમિકતા છે કે પછી માત્ર એક દિવસનો કાર્યક્રમ?
ગાંધીજીના નામે સ્વચ્છતાની વાતો કરવી સહેલી છે, પરંતુ ગાંધીજીના વિચારોને જીવનમાં ઉતારવા માટે જમીન પર કામ કરવું પડે છે. માત્ર હાથમાં ઝાડુ પકડીને કેમેરા સામે ઊભા રહેવાથી શહેર સ્વચ્છ બની જતું નથી. તેના માટે નિયમિત સફાઈ, કચરાનો યોગ્ય નિકાલ, જવાબદાર તંત્ર અને સતત દેખરેખ જરૂરી છે.

ફોટોશૂટથી નહીં, કામગીરીથી ચમકાવો ઇડર!
આજે સોશિયલ મીડિયામાં સ્વચ્છતાના સંકલ્પો અને શ્રમદાનના ફોટા ચમકશે. પરંતુ શહેરના નાગરિકોને ફોટા નહીં, સ્વચ્છ રસ્તાઓ જોઈએ છે. જાહેરાતો નહીં, ગંદકીનો કાયમી ઉકેલ જોઈએ છે. વાયદાઓ નહીં, જવાબદારીપૂર્વકની કામગીરી જોઈએ છે.જો નેતાઓ અને જવાબદાર અધિકારીઓએ ફોટોશૂટ પાછળ ખર્ચાતો સમય ખરેખર સફાઈ માટે ફાળવ્યો હોત, તો ઇડરની અનેક ગંદી જગ્યાઓની સ્થિતિમાં સુધારો જોવા મળી શક્યો હોત.
ગાંધીજીની આત્માને શરમ આવે કે નહીં, પરંતુ ગાંધીજીના સ્વચ્છતાના વિચારોને માત્ર ફોટોશૂટ પૂરતા સીમિત કરી દેવામાં આવે તો એ ચોક્કસપણે આત્મમંથનનો વિષય છે.ગાંધી જયંતિની સાચી ઉજવણી હારતોરા અને ફોટોશૂટમાં નહીં, પરંતુ ઇડરના રસ્તાઓ પરથી ગંદકી દૂર કરવામાં છે.
હવે જોવાનું એ રહ્યું કે ગાંધી જયંતિના સંકલ્પો ઇડરની ગલીઓમાં સ્વચ્છતા બનીને ઉતરશે કે પછી માત્ર સોશિયલ મીડિયાની પોસ્ટ બનીને રહી જશે?
મેહુલ પટેલ ✍️








