સાબરકાંઠામાં ‘ભૂમિ સીમાંકન’ પાયલોટ પ્રોજેક્ટની અભૂતપૂર્વ સફળતા: ૧૩,૫૦૮ અરજીઓની માપણી રેકોર્ડ સમયમાં પૂર્ણ

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સાબરકાંઠામાં ‘ભૂમિ સીમાંકન’ પાયલોટ પ્રોજેક્ટની અભૂતપૂર્વ સફળતા: ૧૩,૫૦૮ અરજીઓની માપણી રેકોર્ડ સમયમાં પૂર્ણ

 

મહેસૂલ વિભાગના પાયલોટ પ્રોજેક્ટમાં સાબરકાંઠા અવ્વલ: પ્રભારી મંત્રીના હસ્તે સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડઝ અધિકારીનું બહુમાન

 

૨૦ વિશેષ ટીમો દ્વારા વરસાદી માહોલ વચ્ચે પણ માત્ર ૪૫ દિવસમાં ખેડૂતોના જમીન માપણી અરજીઓ અંગેના પડતર પ્રશ્નોનું સુખદ નિરાકરણ

 

પારદર્શી અને ક્ષતિરહિત કામગીરી બાદ હવે રેકોર્ડમાં ક્ષેત્રફળ અને હદ સુધારણાની પ્રક્રિયા તેજ ગતિએ શરૂ

 

હિંમતનગર: 18 ઓગસ્ટ, 2026

 

ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા ખેતીની જમીનના રી-સરવે પ્રમોલગેશન બાદ ઉભા થયેલા વાંધા-નિકાલની પ્રક્રિયાને પારદર્શી અને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે અધિક મુખ્ય સચિવશ્રી, મહેસૂલ દ્વારા અમલમાં મૂકાયેલા ‘ભૂમિ સીમાંકન’ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ સાબરકાંઠા જિલ્લાએ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે. જિલ્લામાં બાકી રહેલી કુલ ૧૩,૫૦૮ અરજીઓની માપણી કામગીરી રેકોર્ડ સમયમાં પૂર્ણ કરવા બદલ ૮૦માં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રસંગે ખેડબ્રહ્મા ખાતે પ્રભારી મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાના હસ્તે સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડઝ અધિકારીનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.

 

આ પ્રોજેક્ટની સફળતા પાછળ જિલ્લા વહીવટી તંત્રનું સુચારૂ આયોજન નિર્ણાયક રહ્યું છે. ગત ૧૫ જૂન ૨૦૨૬ની સ્થિતિએ જિલ્લામાં રી-સરવે બાદની ૧૩,૫૦૮ વાંધા અરજીઓ માપણી માટે પેન્ડિંગ હતી. આ પડકારજનક કામગીરીને ઝુંબેશના સ્વરૂપમાં હાથ ધરીને જિલ્લાના ૨૦ સરકારી સરવેયર અને ૨૦ લાયસન્સી સરવેયરની સંયુક્ત ૨૦ ટીમો બનાવવામાં આવી હતી. દરેક ટીમમાં એક સરકારી અને એક લાયસન્સી સરવેયરનો સમાવેશ કરીને કામગીરીમાં પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવામાં આવી હતી.

 

માપણીની આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખેડૂતોના હિતને પ્રાધાન્ય આપવામાં આવ્યું હતું. ટીમો દ્વારા ગામોના ક્લસ્ટર બનાવીને જે-તે ખાતેદારો અને ગ્રામ પંચાયતોને અગાઉથી જાણ કરવામાં આવી હતી. નક્કી થયેલા સમયે અને સ્થળે ખાતેદારોની પ્રત્યક્ષ હાજરીમાં, તેમના દ્વારા દર્શાવવામાં આવેલા કબજા-ભોગવટા મુજબ માપણી કરવામાં આવી હતી. વરસાદી વાતાવરણ અને ભૌગોલિક પ્રતિકૂળતાઓ હોવા છતાં, માત્ર ૪૫ જેટલા કાર્યકારી દિવસોમાં ૧૦ ઓગસ્ટ ૨૦૨૬ સુધીમાં તમામ અરજીઓનો નિકાલ કરીને વહીવટી તંત્રએ નવો ચીલો ચાતર્યો છે.

 

આ જટિલ કામગીરીને સફળતાપૂર્વક પાર પાડવામાં જિલ્લા સુપ્રિન્ટેન્ડેન્ટ લેન્ડ રેકોર્ડઝ અધિકારી શ્રી નવલ માયાણી સહિત તમામ તાલુકાના જમીન દફતર નિરીક્ષકો અને માપણી ટીમોએ મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ ટીમોની સમર્પિત કામગીરીને બિરદાવતા જિલ્લા કક્ષાના સ્વતંત્રતા પર્વ પર મંત્રીશ્રી દ્વારા પ્રોજેક્ટના મુખ્ય અમલીકરણ અધિકારીનું સન્માન કરવામાં આવ્યું હતું.

 

હાલમાં માપણી પૂર્ણ થયેલ તમામ ૧૩,૫૦૮ અરજીઓ અન્વયે સરકારી રેકોર્ડમાં જરૂરી ક્ષેત્રફળ અને હદ સંબંધિત સુધારા-વધારા કરવાની પ્રક્રિયા વહીવટી સ્તરે શરૂ કરી દેવામાં આવી છે. આ પ્રોજેક્ટની સફળતાથી ખેડૂતોના જમીન સંબંધિત વર્ષો જૂના પ્રશ્નોનો કાયમી ઉકેલ આવશે અને મહેસૂલી રેકોર્ડ વધુ સચોટ બનશે.

Leave a Comment

और पढ़ें