લારી-ગલ્લાઓ પર સઘન તપાસ
***
૧૫ હોટેલ/રેસ્ટોરન્ટ અને ૩૧ લારી-ગલ્લાની તપાસ, ૪ પેઢીને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવાઈ
****
સાબરકાંઠા જિલ્લાના નાગરિકોને શુદ્ધ, સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે હેતુસર જિલ્લા વહીવટી તંત્ર અને ખોરાક અને ઔષધ નિયમન તંત્રના ફૂડ સેફટી વિભાગ દ્વારા જિલ્લામાં વિશેષ ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ અંતર્ગત ફૂડ સેફટી અધિકારીઓની ટીમો દ્વારા વિવિધ વિસ્તારોમાં હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા તેમજ ખાણી-પીણીની લારી-ગલ્લાઓનું સઘન અને અચાનક ચેકિંગ કરવામાં આવ્યું હતું.
આ કાર્યવાહી દરમિયાન કુલ ૧૫ હોટેલ/રેસ્ટોરન્ટ તથા ૩૧ લારી-ગલ્લાઓની તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતાને લગતી ખામીઓ જણાતા ૪ પેઢીઓને ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવી, નિયત સમયમર્યાદામાં જરૂરી સુધારા કરવા તાકીદ કરવામાં આવી છે.
ફૂડ સેફટી વિભાગની ટીમ દ્વારા તપાસ દરમિયાન રસોડાની સ્વચ્છતા, ખાદ્ય સામગ્રી તૈયાર કરવાની પ્રક્રિયા, વાસણોની સફાઈ, ખાદ્ય પદાર્થોના સંગ્રહની યોગ્ય પદ્ધતિ, કાચા અને તૈયાર ખોરાકનો યોગ્ય સંગ્રહ તેમજ ગ્રાહકોને પીરસવામાં આવતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા સહિતની બાબતોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
સાથે સાથે Food Safety and Standards Authority of India (FSSAI) દ્વારા નિર્ધારિત નિયમો અને ધોરણોનું પાલન થાય છે કે નહીં તેની પણ ચકાસણી કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન શંકાસ્પદ જણાતી ખાદ્ય સામગ્રીના જરૂરી નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ નમૂનાઓને વધુ તપાસ અને ગુણવત્તા ચકાસણી માટે માન્ય લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. લેબોરેટરીના પરીક્ષણના પરિણામોના આધારે નિયમોનુસાર આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ચેકિંગ દરમિયાન કેટલીક ખાણી-પીણીની જગ્યાઓ પર સ્વચ્છતા અને હાઈજિનને લગતી ખામીઓ તેમજ ખાદ્ય સુરક્ષા અંગેની માર્ગદર્શિકાનું યોગ્ય પાલન ન થતું હોવાનું જણાયું હતું. આવી પેઢીઓના સંચાલકોને ફૂડ સેફટી વિભાગ દ્વારા ઈમ્પ્રુવમેન્ટ નોટિસ પાઠવી, નિર્ધારિત સમયમર્યાદામાં ખામીઓ દૂર કરી જરૂરી સુધારા કરવા માટે સૂચના આપવામાં આવી છે.
નાગરિકોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન ચલાવી લેવામાં આવશે નહીં. ઈમ્પ્રુવમેન્ટ નોટિસમાં આપવામાં આવેલી સમયમર્યાદામાં જરૂરી સુધારા નહીં કરવામાં આવે અથવા ખાદ્ય સુરક્ષા સંબંધિત ગંભીર ખામીઓ જોવા મળશે તો લાગુ કાયદા અને નિયમો હેઠળ દંડાત્મક કાર્યવાહી સહિત લાયસન્સ રદ કરવા સુધીના પગલાં લેવામાં આવશે.
નાગરિકોને સલામત અને ગુણવત્તાયુક્ત ખાદ્ય સામગ્રી મળી રહે તે માટે આગામી દિવસોમાં પણ જિલ્લામાં હોટેલ, રેસ્ટોરન્ટ, ઢાબા અને લારી-ગલ્લાઓ સહિતના ખાદ્ય વ્યવસાયોના સ્થળોએ આ પ્રકારની તપાસ અને ચેકિંગ ઝુંબેશ સતત ચાલુ રાખવામાં આવશે એમ ડેઝિગ્નેટેડ ઓફિસર,ખોરાક અને ઔષધ નિયમન તંત્ર સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવ્યુ છે.






