સાબરકાંઠા બાળ સુરક્ષા એકમ ખાતે ‘ટીમ ટીમ તારા’ કાર્યક્રમનો પ્રારંભ

બાળકોમાં જીવન કૌશલ્ય અને વ્યક્તિત્વ વિકાસ માટે અપરાજીથા ફાઉન્ડેશનની અનોખી પહેલ
અપરાજીથા ફાઉન્ડેશન દ્વારા બાળકોમાં જીવન કૌશલ્યનો વિકાસ થાય અને તેમનું વ્યક્તિત્વ વધુ સુદૃઢ બને તે હેતુથી ચલાવવામાં આવતા ‘ટીમ ટીમ તારા’ કાર્યક્રમનો સાબરકાંઠા ખાતે આવેલ બાળ સુરક્ષા એકમમાં આજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમ દરમિયાન અપરાજીથા ફાઉન્ડેશનના સ્ટેટ પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર દ્વારા બાળકોને ‘વ્યક્તિત્વ ખીલવવું’ વિષય પર આધારિત શૈક્ષણિક વિડિયો દર્શાવવામાં આવ્યો હતો.
અપરાજીથા ફાઉન્ડેશન દ્વારા અમલમાં મૂકવામાં આવતો ‘ટીમ ટીમ તારા’ કાર્યક્રમ બાળકોના સર્વાંગી વિકાસ માટેનો જીવન કૌશલ્ય આધારિત કાર્યક્રમ છે. આ કાર્યક્રમ અંતર્ગત વિવિધ વિડિયો અને પ્રવૃત્તિઓના માધ્યમથી બાળકોને રોજિંદા જીવનમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો શીખવવામાં આવે છે.
બાળકોને અસરકારક રીતે વાતચીત કેવી રીતે કરવી, સમયનું યોગ્ય આયોજન કેવી રીતે કરવું, પોતાના માટે યોગ્ય ધ્યેય કેવી રીતે નક્કી કરવું, નિર્ણય લેવાની ક્ષમતા કેવી રીતે વિકસાવવી સહિતના વિવિધ જીવન કૌશલ્યો અંગે માર્ગદર્શન આપવામાં આવે છે. આવા કૌશલ્યો બાળકોમાં આત્મવિશ્વાસ વધારવા તેમજ તેમના વ્યક્તિત્વને વધુ સક્ષમ અને સુદૃઢ બનાવવામાં મહત્વપૂર્ણ સાબિત થાય છે.
અપરાજીથા ફાઉન્ડેશન દ્વારા બાળકોને માત્ર શૈક્ષણિક જ્ઞાન પૂરતું સીમિત ન રાખીને જીવનમાં પડકારોનો સામનો કરવા માટે જરૂરી વ્યવહારુ કૌશલ્યો વિકસાવવા પર ભાર મૂકવામાં આવે છે. જીવન કૌશલ્યોના વિકાસ થકી બાળકો વધુ આત્મવિશ્વાસુ, જવાબદાર અને સજાગ બને તેમજ ભવિષ્યમાં સમાજના સારા અને જવાબદાર નાગરિક તરીકે ઘડાય તે દિશામાં ફાઉન્ડેશન મહત્વપૂર્ણ કામગીરી કરી રહ્યું છે.
ગુજરાતમાં છેલ્લા ૧૨ વર્ષ દરમિયાન ૫૪ હજારથી વધુ શાળાઓના ૭૮ લાખથી વધુ વિદ્યાર્થીઓએ જીવન કૌશલ્ય આધારિત વિડિયો નિહાળ્યા છે. આ પહેલ દ્વારા બાળકોમાં જરૂરી જીવન કૌશલ્યો વિકસાવવા અને તેમના સર્વાંગી વ્યક્તિત્વ નિર્માણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
સાબરકાંઠા બાળ સુરક્ષા એકમ ખાતે ‘ટીમ ટીમ તારા’ કાર્યક્રમના પ્રારંભથી બાળકોને જીવનમાં ઉપયોગી વિવિધ કૌશલ્યો શીખવાની સાથે પોતાના ભવિષ્યના ઘડતર માટે જરૂરી માર્ગદર્શન અને પ્રેરણા મળી રહેશે.
આ પ્રસંગે જિલ્લા બાળ સુરક્ષા અધિકારી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી, અધિક્ષકશ્રી, બાળ કલ્યાણ સમિતિના અધ્યક્ષશ્રી સહિત બાળ સુરક્ષા એકમના સ્ટાફ મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.






