સપનાંનું ગામ અને સનદોના સોદાગરો! ની વાર્તા

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

એક ગામની વાર્તા… જ્યાં નેતાઓ અમીર બન્યા અને ભોળા લોકો પોતાના જ ઘરના માલિકી હક માટે અજાણ બન્યા!

એક ગામ હતું. હાઇવેની બાજુમાં વસેલું અને શહેરથી થોડે જ દૂર આવેલું. સમય જતાં ગામની જમીનોના ભાવ આસમાને પહોંચ્યા. એક એક વીઘાની કિંમત લાખોમાંથી કરોડો સુધી પહોંચી ગઈ.

ગામની જમીન હવે માત્ર જમીન નહોતી રહી, એ તો સોનાની ખાણ બની ગઈ હતી.

આ જ ગામમાં બે રાજકીય નેતાઓ અને એક ચાલાક દલાલની ત્રિપુટી સક્રિય થઈ.

ત્રણેયે મળીને એક એવો ખેલ રચ્યો કે ગામના ભોળા લોકોને ખબર પણ ન પડી કે તેમની જિંદગી સાથે કેવો ખેલ રમાઈ રહ્યો છે.

દલાલે કાગળો તૈયાર કર્યા, નેતાઓએ આશ્વાસનો આપ્યાં અને સત્તાની નજીક હોવાનો રોફ બતાવીને આખા એક જૂથને ગામતળની જમીનની સનદો આપી દેવામાં આવી.ગામના લોકોને લાગ્યું કે હવે અમારું પણ પોતાનું ઘર છે. હવે અમે પણ જમીનના માલિક બની ગયા છીએ.કોઈએ મકાન બાંધ્યું, કોઈએ જૂનું ઘર તોડીને નવું બનાવ્યું, તો કોઈએ પોતાની દીકરીનાં લગ્ન માટે રાખેલી બચત પણ ઘરમાં લગાવી દીધી.

 

ગામના એક વૃદ્ધે તો ખુશીથી કહ્યું હતું:

“મારી આખી જિંદગી બીજાના ખેતરમાં મજૂરી કરીને ગઈ, પણ આજે મારા પૌત્રને પોતાનું ઘર આપી શકીશ.”

આ વાત સાંભળીને નેતાઓના ચહેરા પર સ્મિત હતું. કારણ કે તેમનું કામ થઈ ગયું હતું.

ચૂંટણી આવી. વોટ મળ્યા. ખુરશી મળી.

અને પછી…સમય પસાર થતો ગયો.

 

નેતાઓની મિલકતો વધતી ગઈ. દલાલના ધંધાનો વિસ્તાર થતો ગયો. મોટા શહેરોમાં મોલ અને મોટી ઇમારતો ઊભી થવા લાગી.

પણ ગામના લોકોને એક વાતની ખબર નહોતી કે જે સનદોને તેઓ પોતાની જિંદગીની સૌથી મોટી મૂડી સમજીને સાચવી રહ્યા છે, તેની પાછળની હકીકત કંઈક જુદી જ હતી.

એક દિવસ સરકારી તપાસની વાત ગામમાં ફેલાઈ

લોકોના ચહેરા પરથી રંગ ઊડી ગયો.

કોઈએ પોતાની સનદ કાઢીને જોઈ, કોઈએ જૂના કાગળો શોધ્યા, તો કોઈએ નેતાને ફોન કર્યો.

પણ નેતાનો ફોન બંધ હતો.

દલાલ શહેરમાં હતો.

અને ગામના લોકો પોતાના જ ઘરના ઓટલે બેસીને એકબીજાને પૂછતા હતા:

“ભાઈ, જો આ કાગળ ખોટા નીકળે તો આપણું ઘર કોનું ગણાશે?”

એક ગરીબ માણસે આકાશ તરફ જોઈને કહ્યું:

“અમને તો કોઈએ કાયદો સમજાવ્યો નહોતો. અમને તો એટલું જ કહ્યું હતું કે આ જમીન તમારી છે. અમે વિશ્વાસ કર્યો. ઘર બનાવ્યું. બાળકો ઉછેર્યાં. હવે જો આ ઘર અમારું નહીં હોય તો અમે ક્યાં જઈશું?”

બીજી તરફ શહેરના મોટા મોલમાં બેસેલા દલાલના ટેબલ પર ચાની કીટલી આવી રહી હતી.

નેતાઓની ગાડીઓના કાફલા રસ્તા પર દોડી રહ્યા હતા.

અને ગામમાં એક ગરીબ પરિવાર પોતાના ઘરના કાગળોને છાતીએ લગાવીને બેઠો હતો.

કેટલું વિચિત્ર છે ને આ દુનિયાનું ગણિત!

જેના નામે સનદ બની, તેને કાયદાની ખબર નહોતી.

જેણે સનદ બનાવી, તેને બધું ખબર હતું.

જેણે વોટ આપ્યા, તે આજે જવાબ શોધે છે.

અને જેણે વોટ લીધા, તે આજે જવાબ આપવાથી દૂર ભાગે છે!

વાર્તાનો છેલ્લો સવાલ…

જો કાગળ ખોટા હોય તો ઘર બનાવનારનો શું વાંક?

જો સનદ ખોટી હોય તો વિશ્વાસ કરનારનો શું ગુનો?

અને જો કોઈએ સત્તા અને પૈસાના જોરે આખા ગામનાં સપનાં સાથે ખેલ કર્યો હોય, તો શું તેની સજા પણ એ જ ભોળા લોકોને ભોગવવી પડશે?

યાદ રાખજો…ગરીબ માણસનું ઘર ઈંટ અને સિમેન્ટથી નથી બનતું, તેની આખી જિંદગીની મહેનતથી બને છે.નેતાઓ માટે જમીન એક સોદો હોઈ શકે, દલાલ માટે કરોડોનો વેપાર હોઈ શકે, પણ એક ગરીબ પરિવાર માટે એ જ જમીન તેની આખી દુનિયા હોય છે.કારણ કે સોદાગરો માટે જમીનનો ભાવ કરોડોમાં હોય છે, પણ ગરીબ માટે એ જમીનની કિંમત તેની આખી જિંદગી હોય છે

નોંધ :આ કાલ્પનિક વાર્તા છે કોઈ નેતા કે દલાલો અને વેકતી ઓ એ સાચી માનવી નહિ હા એકવાત એપણ છે કલ્પનાઓ કરીયે તેવુ ગતિત થતું હોય છે જો કોઈ ગામ મા આવુ ગતિત થાય તો અમારી જવાદારી નથી તે તમારા ગામના નેતાજીની જવાદારી

✍️ મેહુલ પટેલ

Leave a Comment

और पढ़ें