ભારત સરકાર દ્વારા દીકરીઓના સ્વાસ્થ્ય સુરક્ષાના હેતુથી શરૂ કરાયેલા ‘રાષ્ટ્રીય HPV રસીકરણ અભિયાન’ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ગર્ભાશયના મુખના કેન્સર વિરોધી રસીકરણનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેના ભાગરૂપે હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલાએ હડિયોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતેથી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રીની ઉપસ્થિતિમાં અર્બન હેલ્થ સેન્ટર-૧ ખાતેથી આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.
જિલ્લામાં કુલ ૧૪,૧૫૫ કિશોરીઓને રસીકરણના લક્ષ્યાંક સામે રાજ્ય કક્ષાએથી પ્રથમ તબક્કે ૪,૧૩૫ ડોઝ પ્રાપ્ત થયા છે, જે અંતર્ગત નિયત ઉંમરની તમામ દીકરીઓને આગામી સમયમાં સુરક્ષિત કરવામાં આવશે.
આ પ્રસંગે આરોગ્ય અધિકારીશ્રીએ ગંભીર બીમારી અટકાવવા માટે રસીકરણને સૌથી અસરકારક માધ્યમ ગણાવી વાલીઓને પોતાની દીકરીઓને રસી અપાવવા અનુરોધ કર્યો હતો.હિંમતનગર અર્બન હેલ્થ સેન્ટર ખાતે જાયન્ટસ સહિયર ગ્રુપ દ્વારા કિશોરીઓને પ્રોત્સાહક ઇનામો પણ વિતરીત કરવામાં આવ્યા હતા.
ઉપસ્થિત મહાનુભાવોએ સ્વસ્થ ભારતના સંકલ્પને સિદ્ધ કરવા અને પ્રધાનમંત્રીશ્રીના આ મહત્વપૂર્ણ અભિયાનને સફળ બનાવી દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે કટિબદ્ધ બનવા અપીલ કરી
હતી.








