રાજકારણમાં વિરોધીઓ કરતાં વધુ ખતરનાક જો કોઈ હોય તો તે છે પોતાના જ લોકો. વિરોધી સામે લડવાની તૈયારી દરેક નેતા રાખે છે, પરંતુ પોતાના જ ખભા પર હાથ રાખીને ફરતા લોકો એક દિવસ પીઠમાં ખંજર ભોંકી દેશે, એવી કલ્પના પણ ભાગ્યે જ કોઈ કરે.
આ એક એવા નેતાની વાર્તા છે, જેને લાગતું હતું કે તેની આસપાસ ફરતા લોકો તેના સૌથી વિશ્વાસુ સાથી છે. વર્ષો સુધી તેઓ તેની સાથે રહ્યા, તેની દરેક વાતના વખાણ કર્યા, દરેક સભામાં તાળીઓ પાડી અને દરેક નિર્ણયને “સાહેબનો માસ્ટરસ્ટ્રોક” ગણાવ્યો. નેતાએ પણ તેમને સામાન્ય કાર્યકરથી જિલ્લા અને તાલુકા સ્તરના મોટા હોદ્દા સુધી પહોંચાડ્યા.
પણ કહેવત છે…
“સમય આવે ત્યારે સાચા ચહેરા સામે આવી જ જાય છે.”
જે લોકોને પોતાના ગામમાં કોઈ ઓળખતું પણ નહોતું, તેઓ સત્તાની છત્રછાયામાં મોટા બન્યા. પરંતુ જ્યારે સ્વાર્થનો પવન બીજી દિશામાં ફૂંકાયો, ત્યારે એ જ લોકો પોતાના રાજકીય ગુરુ સામે ઊભા રહી ગયા.
નેતાના અંગત જીવનની ચર્ચાઓ, કથિત બેનામી મિલકતો, ખાનગી સંબંધો અને અંદરની માહિતી—આ બધી વાતો બહાર કેવી રીતે આવી? આ પ્રશ્નનો જવાબ બહાર નહોતો, અંદર હતો. કારણ કે આ રહસ્યો તો ફક્ત ખૂબ નજીકના લોકોને જ ખબર હોઈ શકે.
આજે એ જ લોકો કેટલાક સ્થાનિક પત્રકારો સુધી માહિતી પહોંચાડે છે. કાલ સુધી જે નેતાના વખાણ કરતા હતા, આજે એ જ લોકો તેના પતનની કથાઓ કહે છે.
રાજકારણમાં એક ભૂલ ઘણી વાર ભારે પડી જાય છે—ચમચાગીરીને વફાદારી માની લેવાની.
વફાદાર માણસ ભૂલ થાય તો પણ સાથ છોડતો નથી. જ્યારે ચમચો ત્યાં સુધી જ સાથ આપે છે જ્યાં સુધી તેનો સ્વાર્થ પૂરો થાય. સ્વાર્થ પૂરો થાય એટલે સૌથી પહેલા તે જ માણસ રહસ્યોનું બજાર ગરમ કરે છે.ψ
વિશ્વાસ કાચ જેવો હોય છે. એકવાર તૂટી જાય પછી ફરી જોડાય તો પણ તિરાડો દેખાતી જ રહે છે. કદાચ એ નેતા પોતાના વિરોધીઓ સામે જીતતો રહ્યો, પરંતુ પોતાના જ લોકો સામે હારી ગયો.
આ ઘટનામાં સૌથી મોટો પાઠ એ છે કે માણસે પોતાની આસપાસ એવા લોકો રાખવા જોઈએ જે સાચી સલાહ આપે, માત્ર વખાણ નહીં. કારણ કે અંધ વખાણ કરનાર વ્યક્તિ એક દિવસ સૌથી મોટો વિશ્વાસઘાતી પણ બψની શકે છે
રાજકારણમાં રાજાને ગાદી પરથી ઉતારવા માટે હંમેશા વિરોધી જરૂરી નથી પડતા… ક્યારેક દરબારમાં બેઠેલા ચમચાઓ જ આખું સામ્રાજ્ય ધરાશાયી કરી દેતા હોય છે.”
– મેહુલ પટેલ ✍️
હલચલ ભારત ડિજિટલ.









