ડર અને ગુલામીની માનસિકતા : સમાજ માટે સૌથી મોટો ખતરો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સમાજનો પતન હંમેશા તલવાર કે યુદ્ધથી થતો નથી, ઘણી વખત સમાજનો નાશ લોકોની ચુપકીદી, ડર અને ગુલામીની માનસિકતાના કારણે થાય છે. જ્યારે અન્યાય સામે અવાજ ઉઠાવવાને બદલે લોકો “આપણે શું? આપણને ક્યાં કઈ થાય છે!” જેવી વિચારસરણી અપનાવે છે, ત્યારે અન્યાય કરનારાઓ વધુ બેફામ બની જાય છે.
ડર એ એવી બીમારી છે જે ધીમે ધીમે માણસની હિંમત, આત્મસન્માન અને સ્વાભિમાનને ખાઈ જાય છે. શરૂઆતમાં લોકો માત્ર પોતાની સુરક્ષા માટે મૌન રહે છે, પરંતુ સમય જતાં એ મૌન તેમની આદત બની જાય છે. પછી તેઓ અન્યાય, ભ્રષ્ટાચાર, અત્યાચાર અને શોષણને પણ સામાન્ય બાબત માની લે છે.ઇતિહાસ સાક્ષી છે કે જે સમાજોએ અન્યાય સામે મૌન ધારણ કર્યું છે, તે સમાજોએ ગુલામી ભોગવી છે. ગુલામી માત્ર શરીરની નથી હોતી, વિચારોની ગુલામી વધુ ભયાનક હોય છે. જ્યારે માણસ સત્ય બોલતા ડરે, પોતાના હક્ક માટે લડતા ડરે અને સત્તા સામે પ્રશ્ન પૂછતા ડરે, ત્યારે તે જીવતો હોવા છતાં માનસિક રીતે ગુલામ બની જાય છે.
સૌથી ચિંતાજનક બાબત એ છે કે આ માનસિકતા આવનારી પેઢીમાં પણ ઉતરી જાય છે. બાળકો પોતાના વડીલોને ડરતા, ચૂપ રહેતા અને અન્યાય સહન કરતા જુએ છે, ત્યારે તેઓ પણ હિંમત અને સ્વાભિમાન કરતાં સમાધાન અને ડરને જીવનનો માર્ગ માની લે છે. પરિણામે એક બહાદુર સમાજ નહીં, પરંતુ કાયર અને ગુલામ માનસિકતા ધરાવતી પેઢી તૈયાર થાય છે.
સમાજને બચાવવો હોય તો ડરને નહીં, સત્યને સાથ આપવો પડશે. અન્યાય સામે અવાજ ઉઠાવવો પડશે. યાદ રાખો, અત્યાચાર કરનાર કરતાં અત્યાચાર સહન કરનારનું મૌન વધુ ખતરનાક હોય છે. કારણ કે મૌન જ અન્યાયને શક્તિ આપે છે.
આજે જરૂર છે હિંમત, એકતા અને જાગૃતિની. જો સમાજનો દરેક વ્યક્તિ પોતાના હક્ક અને સત્ય માટે ઉભો રહેશે, તો કોઈપણ તાકાત તેને ગુલામ બનાવી શકશે નહીં. કારણ કે જે સમાજ પ્રશ્ન પૂછવાનું બંધ કરી દે છે, તે સમાજ ગુલામી તરફ આગળ વધે છે; અને જે સમાજ સત્ય માટે લડે છે, તે જ સ્વતંત્ર અને સ્વાભિમાની બને છે.
– મેહુલ પટેલ ✍️
હલચલ ભારત ન્યૂઝ

Leave a Comment

और पढ़ें