ઈડર: ઈડર કૃષિ ઉપજ બજાર સમિતિ (એપીએમસી)ની આગામી સપ્ટેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલાં મતદાર યાદીને લઈને ઉભો થયેલો વિવાદ હવે નિર્ણાયક તબક્કામાં પહોંચ્યો છે. જિલ્લા રજીસ્ટ્રાર, સહકારી મંડળીઓ દ્વારા 12 સહકારી મંડળીઓને તા. 15 જુલાઈએ સવારે 11 વાગ્યે તમામ આધાર-પુરાવા અને મૂળ રેકોર્ડ સાથે હાજર રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે.
વિવાદનું મૂળ કારણ એ છે કે કેટલીક સહકારી મંડળીઓમાં વ્યવસ્થાપક સમિતિના સભ્યોની સંખ્યા 11માંથી વધારી 21 દર્શાવવામાં આવી હોવાનું સામે આવતા સમગ્ર મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ મામલે ઈડર તાલુકા કોંગ્રેસ પ્રમુખ દ્વારા જિલ્લા રજીસ્ટ્રાર સમક્ષ લેખિત વાંધા અરજી કરવામાં આવી હતી, જેના આધારે તપાસ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
જિલ્લા રજીસ્ટ્રાર કચેરીએ અગાઉ તા. 8 જુલાઈએ 12 મંડળીઓને નોટિસ પાઠવી હતી, પરંતુ નોટિસ યોગ્ય રીતે મળી ન હોવાની ચર્ચા વચ્ચે હવે તમામ સંબંધિત મંડળીઓને ફરીથી 15 જુલાઈએ ફરજિયાત હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.
હાજર નહીં રહે તો વાંધા સાચા માનાશે
જિલ્લા રજીસ્ટ્રારે સ્પષ્ટ કર્યું છે કે જો સંબંધિત મંડળીઓ નિર્ધારિત તારીખે હાજર નહીં રહે અથવા યોગ્ય પુરાવા રજૂ નહીં કરે તો તેમની સામે નોંધાયેલા વાંધાઓને સાચા માની નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
સાથે જ જણાવાયું છે કે પેટાનિયમોની જોગવાઈ મુજબ યોગ્ય દસ્તાવેજી પુરાવા રજૂ ન થાય ત્યાં સુધી સંબંધિત મંડળીની વ્યવસ્થાપક સમિતિ 11 સભ્યોની જ માન્ય ગણાશે અને તે મુજબ મતદાર યાદી અંગે આગળની કાર્યવાહી હાથ ધરાશે.
ચૂંટણી પારદર્શક રીતે યોજાશે: અધિકારી
સાબરકાંઠા જિલ્લા રજીસ્ટ્રાર કચેરી ખાતે મતદાર યાદી અધિકૃત અધિકારી દીપકભાઈ પરમારે જણાવ્યું હતું કે,
> “15 જુલાઈએ તમામ સંબંધિત મંડળીઓના ચેરમેન અને સેક્રેટરીને મૂળ રેકોર્ડ સાથે હાજર રહેવા જણાવાયું છે. રેકોર્ડની સંપૂર્ણ ચકાસણી બાદ એ નક્કી થશે કે સંબંધિત મંડળીમાં 11 સભ્યોની સમિતિ માન્ય છે કે 21 સભ્યોની. તમામ પ્રક્રિયા નિયમ મુજબ અને સંપૂર્ણ પારદર્શક રીતે હાથ ધરવામાં આવશે.”
હવે 15 જુલાઈની સુનાવણી બાદ જિલ્લા રજીસ્ટ્રાર શું નિર્ણય લે છે તેના પર માત્ર ઈડર એપીએમસીની ચૂંટણી જ નહીં, પરંતુ સમગ્ર સાબરકાંઠાના સહકારી ક્ષેત્રની નજર મંડાઈ છે. જો રેકોર્ડમાં ગેરરીતિ સાબિત થશે તો મતદાર યાદીમાં મોટા ફેરફાર થવાની શક્યતા નકારી શકાય તેમ નથી.
મેહુલ પટેલ ✍️ ♦⇐







