આપણું પતન બહારના દુશ્મનો કરતાં અંદરની ‘વૈચારિક દરિદ્રતા’થી વધુ થાય છે!

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

ψ◊આપણું પતન બહારના દુશ્મનો કરતાં અંદરની ‘વૈચારિક દરિદ્રતા’થી વધુ થાય છે!

આ ફોટામાં દેખાતા યુવાનોમાંથી કેટલા ઉચ્ચ વર્ગના, ઉચ્ચ શિક્ષિત અને આર્થિક રીતે સદ્ધર યુવાનો હશે? આવા ધાર્મિક ઉત્સવમાં મિનિસ્ટરના સંતાનો કેમ હોતા નથી? સવાલ એટલા માટે પૂછ્યો કારણ કે આપણે ત્યાં ધર્મ બચાવવાનો/ વેંઢારવાનો અને એનું પ્રદર્શન કરવાનો ઠેકો ભારતના એક ચોક્કસ સમુદાયે માથે લીધો છે. એ વર્ગ જેને વર્ણાશ્રમ અને જાતિગત વ્યવસ્થાએ સદીઓ સુધી જ્ઞાન, સંપત્તિ અને સત્તાથી વંચિત રાખ્યો છે! પરંતુ આધુનિક અને બંધારણીય ભારતમાં જ્યારે શિક્ષણ અને તકોના દરવાજા ખૂલ્યા, ત્યારે પણ સામાજિક રીતે નીચલી જાતિઓનો એક મોટો વર્ગ શા માટે આ તકો ઝડપી ન શક્યો એ સવાલ મને હંમેશાં થતો હતો, જેનો જવાબ મને મળ્યો આ એક વાક્યમાં, ‘શારીરિક ગુલામી જતી રહી પણ વૈચારિક ગુલામી હજુ અકબંધ છે!’

જે વ્યવસ્થાએ તેમને સદીઓ સુધી હાસિયામાં રાખ્યા, એ જ વ્યવસ્થાના પ્રતિકો અને આડંબરને એમના કરતાં પણ વધુ આક્રમક રીતે અપનાવીને તેઓ સમાજમાં પોતાનું ‘અસ્તિત્વ’ અને ‘સ્વીકૃતિ’ (Social Validation) શોધવાનો પ્રયાસ કરે છે. કાવડયાત્રા કે ધાર્મિક જુલૂસોમાં ઉત્પાત મચાવવો, રસ્તાઓ પર શક્તિ પ્રદર્શન કરવું, આ બધું મૂળભૂત રીતે સામાજિક વંચિતતા (Social Deprivation) માંથી જન્મતો આક્રોશ છે, જેને આપણે ત્યાં ધર્મના નામે ખોટી દિશામાં વાળી દેવામાં આવ્યો છે.

આની પાછળના કારણોમાં પહેલું છે સાયકોલોજી ઓફ ડિસ્પ્લેસમેન્ટ અને ક્ષણિક શક્તિનો અનુભવ (Sense of Power). જે યુવાન પાસે રોજગાર નથી, સમાજમાં માન-સન્માન નથી, પરિવારમાં પૂછપરછ નથી, એ યુવાન જ્યારે ગળામાં ભગવો પટ્ટો નાખીને, ડીજેના તાલે રસ્તા પર નીકળે છે, ત્યારે તેને પ્રથમ વખત ‘શક્તિ’ (Power) નો અહેસાસ થાય છે. પોલીસ અને સામાન્ય જનતા એની સાથે લમણા લેવા કરતા તેને માર્ગ આપે છે. આ ‘ક્ષણિક સત્તા’ તેને શિક્ષણ અને સખત મહેનતના લાંબા રસ્તા કરતાં વધુ આકર્ષક લાગે છે!

બીજું ઈન્સ્ટન્ટ ગ્રેટિફિકેશન (Instant Gratification vs. Delayed Gratification). આર્થિક રીતે પછાત અને અશિક્ષિત પરિવારોમાં ‘ટૂંકા ગાળાના આનંદ’ની માનસિકતા વધુ જોવા મળે છે, કારણ કે શિક્ષણ અને કેરિયર 15 થી 20 વર્ષની સતત મહેનત, સંયમ અને તપસ્યા માંગે છે જ્યારે ધાર્મિક આડંબર/ ઉત્પાત માત્ર 2 મહિનાની યાત્રા, નાચ-ગાન અને રસ્તા પર રોફ જમાવવાનો ત્વરિત આનંદ આપે છે. જ્યાં સુધી વિચારવાની શક્તિ કેળવાતી નથી, ત્યાં સુધી લગભગ દરેક વ્યક્તિ સહેલો અને ટૂંકા ગાળાનો રસ્તો જ પસંદ કરે છે.

ત્રીજું કારણ છે ધાર્મિક શોષણ અને ‘ફેલ્સ કન્શિયસનેસ’ (False Consciousness) એટલે કે રાજકીય અને ધાર્મિક સત્તાઓ હંમેશાં જાણે છે કે ગરીબ અને અશિક્ષિત યુવાનોને સૌથી સરળતાથી ‘ઇમોશનલ ફ્યુઅલ’ (ભાવનાત્મક બળતણ) તરીકે વાપરી શકાય છે. સવર્ણ કે આર્થિક રીતે સદ્ધર પરિવારનો પુત્ર વિદેશમાં ભણે છે, એસી ઓફિસમાં બેસે છે કે પોતાનો બિઝનેસ સંભાળે છે; જ્યારે પછાત/ગરીબ વર્ગનો યુવાન રસ્તા પર લાકડીઓ ઉછાળે છે અને પોતાની જિંદગી, સમય અને પૈસા વેડફે છે. આ યુવાનોને લાગે છે કે તેઓ ‘ધર્મની’/ હિન્દુત્વની/ ઈસ્લામની સેવા કરી રહ્યા છે, પણ વાસ્તવમાં એ પોતાના જ પતનનો માર્ગ કંડારી રહ્યા છે.

ચોથું અને મહત્વનું જેના પર ઘણીવાર આપણે આંખ આડા કાન કરીએ છીએ એ છે, ‘આત્મ-સુધારણાનો અભાવ’ અને ‘પીડિત માનસિકતા’ (Victim Mentality). જે લોકો એ જ સામાજિક વિષમતાઓમાંથી બહાર આવ્યા, તેમણે વિકાસ, શિક્ષણ અને આત્મ-ચિંતનનો માર્ગ પસંદ કર્યો. તેમણે સ્વીકાર્યું કે આપણી સ્થિતિ બદલવાનો એકમાત્ર રસ્તો ‘શિક્ષણ’ છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ બાબા સાહેબ આંબેડકર છે. પણ જે વર્ગ પાછળ રહી ગયો, તે કાં તો ‘અમે પીડિત છીએ’ એ માનસિકતામાં જીવતો રહ્યો અથવા તો ધાર્મિક અંધશ્રદ્ધામાં આશરો શોધવામાં વ્યસ્ત રહ્યો.

એક હકીકત હર કોઈ સમાજ સુધારવા નીકળેલ વ્યક્તિએ સમજવી પડશે કે કોઈપણ સમાજનું પતન બહારના દુશ્મનો કરતાં અંદરની ‘વૈચારિક દરિદ્રતા’થી વધુ થાય છે. જે દિવસે આ વૈચારિક રીતે પછાત યુવાનોને સમજાશે કે, ‘કાવડ ઊંચકવાથી, ધર્માધતામાં રાચવાથી કે રસ્તા પર ઉત્પાત મચાવવાથી તેમની આવનારી પેઢીનું કલ્યાણ નથી થવાનું’ એ દિવસે એમનું પછાતપણું માનસિક રીતે ખતમ થઈ જશે અને લડાઈ ફક્ત આર્થિક અને રાજકીય મોરચે લડવાની રહેશે. સાચી ક્રાંતિ કે પ્રગતિ હાથમાં ધાર્મિક ઝંડા લેવાથી નહીં, પણ શિક્ષણ મેળવવાથી અને સ્કીલ ડેવલપ કરવાથી આવશે. જ્યાં સુધી સમાજનો આ વર્ગ ધાર્મિક આડંબરોને પોતાનું અસ્તિત્વ માનવાની ભૂલ કરતો રહેશે, ત્યાં સુધી તે આર્થિક, સામાજિક અને માનસિક રીતે હંમેશાં પાછળ જ રહેશે અને ચતુર સત્તાધીશો તેમનો ઉપયોગ માત્ર ‘ટોળાં’ (Crowd) તરીકે કરતા રહેશે. [સૌજન્ય: Jyotsna Ahir, 3 ઓગસ્ટ 2026]

Leave a Comment

और पढ़ें