ઈડર નાગરિક સહકારી બેન્કની ચૂંટણીને લઈને ઈડર શહેરમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. સ્થિતિ એવી બની છે કે નાગરિક બેન્કની ચૂંટણીનો માહોલ ઈડર નગરપાલિકાની ચૂંટણી કરતાં પણ વધુ ચર્ચામાં આવી રહ્યો છે.
ખાસ કરીને ભાજપ સાથે જોડાયેલા નેતાઓ અને કાર્યકરો વચ્ચે જ ચૂંટણીને લઈને ઊભી થયેલી ખેંચતાણે સૌનું ધ્યાન ખેંચ્યું છે. એક તરફ ભાજપના નેતાઓ પોતાની જ પાર્ટી સાથે જોડાયેલા ઉમેદવારોને સમર્થન આપી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક નેતાઓ દ્વારા ભાજપના જ નેતાઓ સામે રાજકીય મોરચો ઊભો કરવામાં આવ્યો હોવાની ચર્ચા ઈડરના રાજકીય વર્તુળોમાં જોરશોરથી ચાલી રહી છે.
સામાન્ય રીતે સહકારી સંસ્થાની ચૂંટણી સ્થાનિક સ્તરે મર્યાદિત ચર્ચાનો વિષય રહેતી હોય છે. પરંતુ આ વખતે ઈડર નાગરિક બેન્કની ચૂંટણીમાં જે પ્રકારની રાજકીય સક્રિયતા જોવા મળી રહી છે તેનાથી શહેરમાં અનેક તર્ક-વિતર્ક શરૂ થયા છે
ઈડર નગરપાલિકાની ચૂંટણીમાં પણ આવો માહોલ જોવા મળ્યો નહોતો” એવી ચર્ચા હવે ઈડરના લોકોમાં સાંભળવા મળી રહી છે.
આખરે નાગરિક બેન્કની ચૂંટણીમાં કોણ કોની સાથે છે અને કોની સામે છે, તે પરિણામ બાદ જ સ્પષ્ટ થશે. પરંતુ હાલની સ્થિતિ જોતા એટલું ચોક્કસ કહી શકાય કે નાગરિક બેન્કની ચૂંટણી માત્ર બેન્કની ચૂંટણી ન રહેતા ઈડરના સ્થાનિક રાજકારણ માટે પણ એક મહત્વપૂર્ણ પરીક્ષા બની છે.
હવે જોવાનું એ રહ્યું કે મતદારો કોના પક્ષમાં પોતાનો વિશ્વાસ વ્યક્ત કરે છે અને આ રાજકીય ખેંચતાણનો અંતિમ પરિણામ શું આવે છે.
મેહુલ પટેલ ✒️






