મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પ્રસ્થાન કરાવેલ ગૌરવ યાત્રા અંબાજીથી એકતાનગર ૭૧૩ કિમીનું અંતર કાપી ઇતિહાસને છેવાડાના લોકો સુધી પહોંચાડશે
આદિજાતિ બાંધવોનું ગૌરવ વધારવા માટે આ ૧૫ દિવસ સમગ્ર ગુજરાતના ૫૩ આદિજાતિ તાલુકાઓમાં આ મહોત્સવ યોજાઈ રહ્યો છે: મંત્રીશ્રી પી.સી. બરંડા*
સાબરકાંઠા (પોશીના), ૭ નવેમ્બર, ૨૦૨૫:
ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતિ ઉજવણી નિમિત્તે તા. ૧ થી ૧૫મી નવેમ્બર, ૨૦૨૫ દરમિયાન ‘જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવ’ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ ઉત્સવ અંતર્ગત મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજી ખાતે રાજ્યકક્ષાના કાર્યક્રમમાં જનજાતિય ગૌરવ રથ યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ ગૌરવ રથ યાત્રા અંબાજીથી એકતાનગર સુધી ૭૧૩ કિમી આદિજાતિ વિસ્તારને આવરી લઈ વિશેષ આયોજન હેઠળ ભ્રમણ કરી રહી છે. આ જનજાતિય ગૌરવ યાત્રા રથનું સ્વાગત સાબરકાંઠા જિલ્લાના પોશીનાના પડાપાટ ખાતે મોટી સંખ્યામાં આદિજાતિ બાંધવોની ઉપસ્થિતિમાં ભવ્ય રીતે કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ પોશીનાના લાંબડીયા ખાતે આવેલા બિરસા મુંડા ચોકમાં જાહેર સભાનું આયોજન કરાયું હતું, જ્યાં ઉપસ્થિત લોકોએ ભગવાન બિરસા મુંડાનું જીવનકવન નિહાળ્યું હતું.
આ પ્રસંગે મંત્રી શ્રી પી.સી. બરંડાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદિજાતિ બાંધવોના વિકાસ માટે અનેક યોજનાઓ થકી આ સમાજનો વિકાસ કર્યો છે. તેમણે ઉમેર્યું કે ભગવાન બિરસા મુંડાના બલિદાનને ઉજાગર કરી આ ૧૫ દિવસ દરમિયાન સમગ્ર ગુજરાતના ૫૩ આદિજાતિ તાલુકાઓમાં આ ગૌરવ રથ ભ્રમણ કરી આપણા ભવ્ય ઇતિહાસને છેવાડાના લોકો સુધી પહોંચાડશે. મંત્રી શ્રી રમેશ કટારાએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું કે, ભગવાન બિરસા મુંડાની ૧૫૦મી જન્મ જયંતીને જન જાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવણી કરી આદિજાતિ બાંધવોનું ગૌરવ વધાર્યું છે. તેમણે આ વિસ્તારમાં વિકાસના અનેક કાર્યો થયા હોવાનું પણ જણાવ્યું હતું.
સાંસદ શ્રીમતી રમીલાબેન બારાએ કહ્યું હતું કે, દેશની આઝાદી માટે આદિજાતિ બાંધવોએ જે બલિદાન આપ્યું છે તેને ઉજાગર કરવાનું કામ આ સરકારે કર્યું છે. તેમણે પોતાના વિસ્તારના પાલ દઢવાવના ગોઝારા હત્યાકાંડને ઉજાગર કરી આદિજાતિ બાંધવોનું ગૌરવ વધારવા બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ વિસ્તારના વિકાસ માટે વન બંધુ કલ્યાણ યોજના શરૂ કરવામાં આવી હતી અને આજે આ વિસ્તારમાં રોડ-રસ્તા, વીજળી, શિક્ષણ વગેરેનો વ્યાપ વધ્યો છે.
પૂર્વ ધારાસભ્ય શ્રી અશ્વિન કોટવાલે પણ આ પ્રસંગે ઉદ્બોધન કર્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે આદિજાતિ તારલાઓનું મહાનુભવોના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
આ ગૌરવ રથ યાત્રા ખેરોજ, હિંગટીયા, ખેડબ્રહ્મા, નાકા, અંદ્રોખા, વિજયનગર, પાલ અને ચિઠોડા એમ ત્રણેય આદિજાતિ વિસ્તારમાં બે દિવસ ભ્રમણ કરશે. આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી ડો. કુબેર ડિંડોર, સાંસદ શ્રીમતી શોભનાબેન બારૈયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, ખેડબ્રહ્મા પ્રાંત શ્રી નિમેષ પટેલ, અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, શ્રી ગજેન્દ્ર સક્સેના, નિલેશ બુબળિયા, કેવલ જોશીયારા, લોકેશ ભાઈ, જિલ્લા પંચાયત સદસ્ય શ્રી તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.









