જિલ્લા સ્તરીય કાર્યક્રમમાં ગીતા પૂજન, ભગવદગીતાના અધ્યાયનો સમૂહ પાઠ, સંસ્કૃત ભાષા તેમજ સંસ્કૃતિને લગતી પ્રદર્શનીનું આયોજન થયું

ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, સાબરકાંઠાના સંયુક્ત ઇડર નગરપાલિકા ટાઉન હોલ ખાતે ગીતા જયંતીના અવસરે ઇડર ધારાસભ્યશ્રી રમણલાલ વોરાની અધ્યક્ષતામાં અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી મહેશભાઇ જોષીની ઉપસ્થિતિમાં જિલ્લા સ્તરીય ‘ગીતા મહોત્સવ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી એ જણાવ્યું હતું કે, આજે સમગ્ર રાજ્યમાં ગીતા જ્યંતીની ઉજવણી કરવામાં આવી રહી છે. ગીતામાં આપવામાં આવેલા ઉપદેશોનું અનુસરણ કરી જીવન ઉન્નત બનાવીએ અન્યને પણ મદદ કરીએ. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી વાત કરે છે કે વિકાસ કરવાનો છે, પણ સાથે વિરાસત પણ જાળવી ને વિકાસ કરવાનો છે. આ સંસ્કૃત ભાષા આપણી વિરાસત છે. આ વિરાસત જાળવવાની જવાબદારી આપણા સૌની છે.
પ્રાથમિક શિક્ષણ નિયામકશ્રી મહેશભાઇ જોષીએ જણાવ્યું હતું કે, ટેકનોલોજીના જમાનામાં સંસ્કૃત કોડિંગની ભાષા બની રહી છે. સંસ્કૃત એ સંસ્કૃતીની ભાષા છે. વૈદિક ભાષા છે. ભાષાઓની જનની છે. જેને સંસ્કૃત ભાષા શીખી લીધી તે તમામ ભાષા શીખી શકે છે. વધુમાં તેમણે ઉમેર્યું કે, આજે પણ આપણા દેશમાં સંસ્કૃત ભાષાના વિધ્વાનો રહેલા છે. જે આપણી આ સમૃધ્ધ ભાષાને જાણે અને તેને જનજન સુધી પહોંચાડી રહ્યા છે.
આ પ્રસંગે વક્તા શ્રી પારૂલબેન શુક્લા અને પ્રો. શ્રી અરવિંદભાઇ પટેલે ગીતા જયંતી અને સંસ્કૃત ભાષાના મહત્વ પર સુંદર વક્તવ્ય પાઠવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણ સમીતીના ચેરમેન શ્રી હિમાંશુ નિનામા, ઇડર તા.પં પ્રમુખશ્રી કાંતીભાઇ પટેલ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી કેયુર ઉપાધ્યાય, ડાયેટ પ્રાચાર્યશ્રી મદનસિંહ ચૌહાણ, અગ્રણી શ્રી પ્રકાશભાઇ પરમાર, શિક્ષકો સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.








